અમે અલ્ટ્રા-ફેશનેબલ લોકો Poem by Neerav Patel

અમે અલ્ટ્રા-ફેશનેબલ લોકો

અમે ખૂબ વરણાગિયા જાતિના લોકો છીએ.
અમારા વડવા તો
ત્રણ બાંયનું ખમીસ પહેરતા હતા.

એમના વડવાના વડવા તો
કફનને જ કામળીની જેમ અંગે વીંટાળતા હતા.

એમના વડવાના વડવાના વડવા તો
નરી ચામડીને જ ઓઢીને ફરતા હતા.

હું ય કાંઈ ઓછો વરણાગિયો નથી -
સી.જી. રોડના શૉ રૂમ સામેની ફૂટપાથ વળતો હતો
ને શેઠે આપ્યું કાંઠલા વગરનું, બાંય વગરનું
એક બાંડિયું.
તે સલમાન ખાનની જેમ છાતી કાઢીને ફરું છું
ને સંજય દત્તની જેમ બાવડાં બતાવું છું સવર્ણાઓને.
જાતવાન જુવાનિયા તો
મારા લિબાસનું લેબલ જોવા અધીરા થઈ ઊઠે છે,
બિચ્ચારા...
મારી અસ્પૃશ્ય બોચીને અડક્યા વિના કેમ કરી ઓળખે
કે આ તો ઑડ-સાઇઝનું પીટર ઈંગ્લેંડ છે!

અમે તો ખૂબ વરણગીય કોમ છીએ.

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success