ફૂલવાડો Poem by Neerav Patel

ફૂલવાડો

ફરમાન હોય તો માથાભેર,
ફૂલોને કાંઈ બીજું કહીશું
મહેંક કાંઈ થોડી મરી જવાની છે?
અને આમને ફૂલ કહીશું
ગંધ કાંઈ થોડી જવાની છે?

ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય.

આ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતાં હતાં.
કદીક ચાંદની રાત મળે તો પોયણાંની જેમ પાંગરતાં,
કદીક રાતરાણીની જેમ છૂપાંછૂપાં સુવાસ રેલાવતાં,
કદીક લજામણીની જેમ મૂગાંમૂગાં રડતાં.

પણ આ સદીના સૂરજે સહેજ રહેમ નજર કરી
કે માંડયાં ટપોટપ ખીલવા.
રંગ તો એવા કાઢે કે પતંગિયાનેય પ્રેમમાં પાડે,
સુગંધ તો એવી છેડે કે મધમાખીય ડંખ ભૂલે.

બધે ફરી વળી છે આ વગડાઉ ફૂલોફોરમ :
સંસદમાં, સચિવાલયમાં, સ્કૂલો-કોલેજોમાં.
જાણે એમના ઉચ્છવાસથી જ છે
પ્રદૂષિત પર્યાવરણ બધું.
ગામ હોય ત્યાં ફૂલવાડો હોય
એ તો સમજ્યા,
પણ હવે ઝાઝો નહીં જીરાવાય આ ફૂલફજેતો.

રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે મહાલે આ ફૂલો
પણ આ ફૂલો નાથદ્વારામાં તો નહીં જ,
ગાંધીજીએ છો માથે ચઢાવ્યાં એમને.
કાચરી કાઢો, મસળી કાઢો
આ અસ્પૃશ્ય ફૂલોને.

પણ ફૂલો વગર પૂજા કેમ કરશું?
મનોરથના હિંડોળા કેમ ભરશું?
ભદ્ર પેટદેવને કેમ રીઝવશુ?

આ ફૂલોના પમરાટથી તો પુલકિત છે
આપણાં પાયખાનાં જેવાં જીવન.
આ તો પારિજાત છે પૃથ્વીનાં,
રેશમણાં કીડાની જેમ
ખૂબ જતનથી ઉછેરવો પડશે આ ફૂલવાડો
ગામેગામ ને શહેરેશહેર.

એટલે સરકાર મા-બાપનું ફરમાન હોય તો માથાભર -
ફૂલોને કાંઈ બીજું કહીશું
મહેંક થોડી મરી જવાની છે?
અને આમને ફૂલો કહીશું
ગંધ કાંઈ થોડી જવાની છે?

ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય.

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Neerav Patel

Neerav Patel

Gujarati
Close
Error Success