બસ એ જ આગ છે દિલમાં અને બળું છું હું
શું કામ એ જ ગલીમાંથી નીકળું છું હું
હું અંધકાર નર્યો છું ધરાર થીજેલો
...
બસ એ જ આગ છે દિલમાં
બસ એ જ આગ છે દિલમાં અને બળું છું હું
શું કામ એ જ ગલીમાંથી નીકળું છું હું
હું અંધકાર નર્યો છું ધરાર થીજેલો
છતા ય અંદર -અંદરથી પીગળું છું હું
અમારું નામ લીધા વિણ કરે છે વાતો એ
કે નામ એમનું લઈ લઈ ને ઝળહળું છું હું
કીધું નહી કે મુલાકાત એ હતી અંતિમ
ગયા છે એમ કહી ને પછી મળું છું હું
કહું તો એક જમાનો થયો હશે એને
સમયના મૌનને ચૂપચાપ સાંભળું છું હું
હું દિલ્લગીથી છું દાઝ્યો મને ના બોલાવો
જરાક ચેન પડે ત્યાં જ ખળભળું છું હું
ઘણી કરું છું હું કોશિશ ખુશીમાં રહેવાની
ને મારી જાતને એવી રીતે છળું છું હું
મને ખબર છે કે મારી ખબર ત્યાં પહોચે છે
પવન એ તરફ થી આવે કે ખળભળું છું હું
બધા ય જાણે છે હાલત છતા ય પૂછે છે
ને એટલે બહું ઓછો હળુંમળું છું હું
જશે કશીશ તો આ જીવ લઈ જશે 'પરશુ'
નસીબમાં ન હો એ સારું વળવળું છું હું
<> પરશુરામ ચૌહાણ