સોનેટ, હાઈકુ, લોકગીત, છપ્પા, ક્યારેક ગમતાં ગઝલ અને શાયરી,
જીવનના રસ તો ઘણા માણ્યા, શીખ્યા ઘણું દેશ-વિદેશે ફરી ફરી,
તોય કેમ ભુલાય પ્રથમ નજાકતભરી પ્રેયસી જેનું નામ ભાષા ગુર્જરી!
પરભાષામાં જ્ઞાન ભલે મળે, પણ ચિત્તની ગતિ રહે સદા અધૂરી,
નિજ ભાષામાં જ બુદ્ધિ ખીલે, તર્કબદ્ધ વિચારશક્તિ આવે ઊભરી,
મનના મૂળ સુધી જે પહોંચે, એ ચિંતનની અંતર્ધ્વનિ ભાષા ગુર્જરી!
નરસિંહના પ્રભાતિયે ભક્તિ, કલાપીના કેકારવમાં પ્રીત પાંગરી,
નર્મદે સ્વાભિમાન ગજવ્યું, મેઘાણીની કસુંબી વાણી રણકી શૌર્યભરી,
યુગ-યુગની સંવેદનાને હૈયે શબ્દાલંકારે શણગારતી ભાષા ગુર્જરી!
શબ્દે શબ્દે પૂર્વજોનો શ્વાસ, કહેવતો-ઉક્તિઓ અતિ ડહાપણથી પૂરી,
બોલીમાં માટીની મીઠી મહેક, સાંભળતાં હૈયે હેત આવતું ઊભરી,
આખી એક અડીખમ પ્રજાની ચિરંતન સ્મૃતિ ઉરમાં સંઘરતી ભાષા ગુર્જરી!
શેઠ-શાહુકારોની ભાષા, વાણિજ્ય જગતની પણ જે રહી હતી ધરી,
જેનો સૂર્ય મધ્યાહ્ને તપતો એક દિ, તે ભાષા આજે અસ્તાચળે જતી સરી,
નિજ સંતાનોના હોઠ પરથી નિઃશબ્દ, નિઃશેષ હવે ઓસરતી ભાષા ગુર્જરી!
બાળક સમજે સઘળું, પણ બોલતાં જીભ કેમ થોથવાય ડરી ડરી,
અંગ્રેજીમાં છાતી ફૂલે, માતૃવાણી હવે કાં ગઈ નજરમાંથી ઊતરી?
પોતાના જ ઘરના આંગણે પરોણા સમ મૂક ઊભી ભાષા ગુર્જરી!
ભાષા ક્યાં એક ઘાએ મરે? પહેલાં બોલચાલથી ધીરે ધીરે જાય સરી,
પછી શબ્દ, કહેવત, રીત-રિવાજ, સંસ્કાર એક પછી એક જાય વિસરી,
નિજ અસ્તિત્વનો સંધ્યાકાળ નિહાળી, કરે કરુણ આક્રંદ ભાષા ગુર્જરી!
ગાંધી, પટેલ ને મુનશીની માતૃભાષા કેમ કરે આજે અંગ્રેજીની ચાકરી,
સાત સમંદર જેની હાક વાગતી, એ જ ભાષા ગણે આજે શ્વાસ આખરી,
સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર સમી, કેમ બચાવવી મારે મારી ભાષા ગુર્જરી?
અંગ્રેજી ભણીએ, ફ્રેન્ચ શીખીએ, જ્ઞાન કાજે લઈએ જગ આખું ફરી,
વિશ્વના થઈએ, વિશ્વને પામીએ, દૃષ્ટિ ભલે રાખીએ દીર્ઘ દિગંતરી,
પણ મૂળથી જ જો વિખૂટા પડીએ, તો ક્યાંથી બચશે સ્વભાષા ગુર્જરી?
હજી શિવાજીનું હાલરડું જીવતું, કુંતા-અભિમન્યુની રાખડી નથી સાવ મરી,
હજી પદે, પત્રે, કાવ્યે, છંદે, ગઝલે જેનો શ્વાસ રહ્યો છે ક્યાંક ક્યાંક સંચરી,
બોલીએ, આલેખીએ અને જીવીએ, તો જ ચિરંજીવ રહેશે ભાષા ગુર્જરી!
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem